પોતાની સરકાર પડતાં પહેલાં 'નબળા' વડા પ્રધાનનાં મહેણાં સાંભળીને ઇન્દરકુમાર ગુજરાલે નક્કી કર્યું કે તેઓ ભારતવાસીઓ અને દુનિયાને બતાવશે કે તેઓ ભારતીય સુરક્ષાને કેટલું મહત્ત્વ આપે છે.
તેમણે 'મિસાઇલમૅન'ના નામે જાણીતા એપીજે અબ્દુલ કલામને ભારતરત્નથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો.
આ અગાઉ 1952માં સી. વી. રમણને છોડીને કોઈ વૈજ્ઞાનિકને આ પુરસ્કાર માટે લાયક ગણવામાં આવ્યા નહોતા.
1 માર્ચ, 1998એ રાષ્ટ્રપતિભવનમાં ભારતરત્ન પુરસ્કારવિતરણ સમારોહમાં કલામ નર્વસ હતા અને તેઓ પોતાની આસમાની રંગની ટાઈને વારંવાર સ્પર્શ કરીને જોતા હતા.
કલામને આ પ્રકારની ઔપચારિક બાબતો અને આ રીતનાં કપડાં પહેરવાથી ચીડ હતી, તેમાં તેઓ પોતાને સહજ અનુભવતા નહોતા.

ઇમેજ સ્રોત,HINDUSTAN TIMES
તેમને સૂટ પહેરવો ગમતો ન હતો, એટલે સુધી કે ચામડાનાં જૂતાંની જગ્યાએ તેઓ હંમેશાં સ્પૉર્ટ્સ સૂઝ પહેરવાનું પસંદ કરતા હતા.
ભારતરત્નનું સન્માન લીધા પછી સૌપ્રથમ તેમને અભિનંદન આપનારાઓમાં એક અટલ બિહારી વાજપેયી હતા.
વાજપેયીની કલામ સાથે પહેલી મુલાકાત ઑગસ્ટ 1980માં થઈ હતી, જ્યારે પ્રોફેસર સતીશ ધવન થકી તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ તેમની અને સંસદસભ્યો સાથેની મુલાકાત માટે એસએલવી-3ના સફળ પ્રક્ષેપણ પછી બોલાવ્યા હતા.
કલામને જ્યારે આ વિશે ખબર પડી, ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ધવનને કહ્યું, 'સર, મારી પાસે ન તો સૂટ છે, ન તો જૂતાં. મારી પાસે મારી ચેર્પુ છે (ચંપલ માટેનો તામિલ શબ્દ).'
ત્યારે સતીષ ધવને હસીને તેમને કહ્યું, 'કલામ તમે પહેલાંથી જ સફળતાનો સૂટ પહેરેલો છે. આથી કોઈ પણ સ્થિતિમાં ત્યાં પહોંચો.'
કલામને મંત્રી બનવા વાજપેયીનું આમંત્રણ

ઇમેજ સ્રોત,HINDUSTAN TIMES
એપીજે અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી સાથે
જાણીતા પત્રકાર રાજ ચેંગપ્પા પોતાના પુસ્તક 'વેપન્સ ઑફ પીસ'માં લખે છે, "એ બેઠકમાં જ્યારે ઇંદિરા ગાંધીએ કલામનો અટલ બિહારી વાજપેયીથી પરિચય કરાવ્યો ત્યારે તેઓ કલામ સાથે હાથ મિલાવવાને બદલે તેમને ગળે મળ્યા."
"ઇંદિરા ગાંધી મજાકમાં હસ્યાં અને વાજપેયી પર વ્યંગ કરતાં કહ્યું, 'અટલજી, કલામ મુસલમાન છે.' તો વાજપેયીએ જવાબ આપ્યો, 'જી હાં, પણ તેઓ પહેલાં ભારતીય છે અને એક મહાન વૈજ્ઞાનિક છે.'"
18 દિવસ બાદ જ્યારે વાજપેયી બીજી વાર વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે કલામને પોતાના મંત્રીમંડળમાં સામેલ થવાનું ઇજન આપ્યું.
જો કલામ રાજી થઈ ગયા હોત તો વાજપેયીને એક કાબેલ મંત્રી મળ્યા હોત અને ભારતના મુસલમાનોમાં એક સંદેશ ગયો હોત કે તેમને ભાજપ સરકારમાં નજરઅંદાજ નહીં કરાય.
કલામે આ પ્રસ્તાવ પર આખો દિવસ વિચાર કર્યો, બીજા દિવસે તેમણે વાજયેપીને મળીને વિનમ્રતાપૂર્વક આ પદનો અસ્વીકાર કર્યો.
તેમણે કહ્યું કે 'રક્ષાશોધ અને પરમાણુપરીક્ષણ કાર્યક્રમ તેના અંતિમ તબક્કામાં છે. તેઓ પોતાની વર્તમાન જવાબદારીને નિભાવીને દેશની ઉત્તમ સેવા કરી શકે છે.'
બે મહિના બાદ પોખરણમાં પરમાણુ વિસ્ફોટ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે કલામે એ પદ કેમ નહોતું સ્વીકાર્યું.
વાજપેયીએ જ કલામને રાષ્ટ્રપતિપદ માટે પસંદ કર્યા

ઇમેજ સ્રોત,PRAKASH SINGH
વાજપેયીની કલામ સાથે પહેલી મુલાકાત ઑગસ્ટ 1980માં થઈ હતી.
10 જૂન, 2002ના રોજ અબ્દુલ કલામને અન્ના વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉક્ટર કલાનિધિનો સંદેશ મળ્યો કે વડા પ્રધાન કાર્યાલય તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે. તમે તરત કુલપતિની ઑફિસ આવો તો વડા પ્રધાનની તમારી સાથે વાત થઈ શકે.
તેમનો વડા પ્રધાન કાર્યાલયથી સંપર્ક કરાવ્યો, વાજપેયી ફોન પર આવ્યા અને કહ્યું, 'કલામસાહેબ, દેશને રાષ્ટ્રપતિના રૂપમાં તમારી જરૂર છે.'
કલામે વાજપેયીનો આભાર માન્યો અને કહ્યું કે આ પ્રસ્તાવ પર વિચાર માટે મારે એક કલાકનો સમય જોઈશે. વાજયેપીએ કહ્યું, "ચોક્કસ સમય લો, પણ મારે તમારી હા જોઈએ. ના નહીં."
સાંજ સુધી એનડીએના સંયોજક જ્યૉર્જ ફર્નાન્ડીઝ, સંસદીય કાર્યના મંત્રી પ્રમોદ મહાજન, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી માયાવતીએ સંયુક્ત પત્રકારપરિષદ યોજીને કલામની ઉમેદવારીનું એલાન કર્યું.
જ્યારે ડૉક્ટર કલામ દિલ્હી પહોંચ્યા તો રક્ષામંત્રી જ્યૉર્જ ફર્નાન્ડીઝે ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કર્યું.
કલામે એશિયાડ વિલેજમાં ડીઆરડીઓ ગેસ્ટહાઉસમાં રહેવાનું પસંદ કર્યું.
18 જૂન, 2002માં કલામે અટલ બિહારી વાજયેપી અને તેમના મંત્રીમંડળે સહયોગીઓનું હાજરીમાં નામાંકનપત્ર ભર્યું, એ વખતે વાજયેપીએ તેમની સાથે મજાક કરી કે 'તમે પણ મારી જેમ કુંવારા છો', તો કલામે હાસ્ય વચ્ચે જવાબ આપ્યો, 'વડા પ્રધાન મહોદય, હું માત્ર કુંવારો નથી, પણ બ્રહ્મચારી પણ છું.'
કલામસૂટ બનવાની કહાણી

ઇમેજ સ્રોત,THE INDIA TODAY GROUP
એપીજે અબ્દુલ કલામ
કલામ રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી મોટી સમસ્યા એ આવી કે તેઓ પહેરશે શું?
વર્ષોથી આસમાની કમીઝ અને સ્પૉર્ટ્સ સૂઝ પહેરતાં કલામ રાષ્ટ્રપતિના રૂપમાં તો એ બધું પહેરી શકે નહીં.
રાષ્ટ્રપતિભવનના એક દરજી હતા, જેમણે છેલ્લા કેટલાક રાષ્ટ્રપતિઓ માટે સૂટ સીવ્યા હતા. એક દિવસ તેમણે આવીને ડૉક્ટર કલામનું માપ લીધું.
કલામના જીવનકથાકાર અને સહયોગી અરુણ તિવારી પોતાના પુસ્તક 'એપીજે અબ્દુલ કલામ અ લાઇફ'માં લખે છે, 'થોડા દિવસ પછી દરજી કલામ માટે ચાર નંગ બંધ ગળાનાં સૂટ સીવીને લાવ્યા.'
થોડી જ મિનિટોમાં હંમેશાં બેદરકારીથી કપડાં પહેરતાં કલામની કાયા બદલાઈ ગઈ, જોકે કલામ તેનાથી ખુશ નહોતા.
તેમણે મને કહ્યું, 'હું તો આમાં શ્વાસ નથી લઈ શકતો. શું તેના કટમાં કોઈ પરિવર્તન કરી શકાય?'
'પરેશાન દરજી વિચારતા રહ્યા કે શું કરી શકાય. કલામે ખુદ જ સલાહ આપી કે તમે તેને ગળા પાસે થોડું કાપી નાખો. બાદમાં કલામના આ સૂટ 'કલામસૂટ' તરીકે ઓળખાયું.
નવા રાષ્ટ્રપતિને ટાઈ પહેરવાથી પણ નફરત હતી. બંધ ગળાના સૂટની જેમ ટાઈથી પણ તેમનો શ્વાસ રુંધાતો હતો. એક વાર મેં તેમને પોતાની ટાઈથી પોતાના ચશ્માં સાફ કરતાં જોયા.
મેં તેમને કહ્યું કે તમારે આવું ન કરવું જોઈએ. તેમનો જવાબ હતો, ટાઈ સંપૂર્ણ ઉદ્દેશહીન વસ્ત્ર છે. કમસે કમ હું તેનો કોઈ તો ઉપયોગ કરી રહ્યો છું.'
નિયમથી સવારની નમાજ પઢતાં કલામ

ઇમેજ સ્રોત,HOUSE OF KALAM
બહુ વ્યસ્ત રાષ્ટ્રપતિ હોવા છતાં કલામ પોતાના માટે કેટલોક સમય કાઢી લેતા હતા, તેમને રુદ્રવીણા વગાડવાનો બહુ શોખ હતો.
ડૉક્ટર કલામના પ્રેસસચિવ રહી ચૂકેલા એસ. એમ. ખાને જણાવ્યું હતું, "તેઓ વૉક કરવાનું પણ પસંદ કરતા હતા, તેઓ પોતાનો નાસ્તો સવારે સાડા દસ વાગ્યે લેતા હતા."
"આથી તેમના લંચમાં મોડું થઈ જતું હતું. લંચ બપોરે સાડા ચાર વાગ્યે થતું અને ડીનર મોટા ભાગે રાતે 12 વાગ્યા પછી."
"ડૉક્ટર કલામ ધાર્મિક મુસલમાન હતા અને દરરોજ સવારે એટલે ફજ્રની નમાજ પઢતા હતા. મેં ઘણી વાર તેમને કુરાન અને ગીતા વાંચતા જોયા હતા. તેઓ સ્વામી થિરુવલ્લુરના ઉપદેશોનું પુસ્તક 'થિરુક્કુરલ' તામિલમાં વાંચ્યા કરતા હતા."
"તેઓ સંપૂર્ણ શાકાહારી હતા અને દારૂ સાથે તેમનો દૂર સુધી કોઈ નાતો નહોતો. આખા દેશમાં નિર્દેશ અપાયા હતા કે તેઓ જ્યાં પણ રોકાય તેમને શાકાહારી ખાવાનું પીરસાય. તેમને મહામહીમ કે 'હિઝ એક્સલન્સી' કહેવડાવવાનું ક્યારેય પસંદ નહોતું.
લોકોમાં એ ફરિયાદ સાંભળવા મળતી હતી કે કેસરિયા જૂથ પ્રત્યે તેમને 'સૉફ્ટ કૉર્નર' હતો.
એ જૂથથી એ સંદેશ પણ આપવાની કોશિશ થઈ કે ભારતમાં દરેક મુસલમાનોએ તેમના જેવા હોવું જોઈએ અને જે આ માપદંડોમાં ખરા ન ઊતરે, તેમનું આચરણ સવાલોના ઘેરામાં લાવી શકાય.
કલામ દ્વારા ભાજપના સમાન નાગરિક સંહિતાની માગનું સમર્થન કરતાં પણ કેટલાકનાં ભવાં તણાયાં હતાં.
કલામ સત્ય સાંઈબાબાને મળવા પુટુપાર્થી જતા હતા, તેનાથી ડાબેરીઓ અને બુદ્ધિજીવીઓનો એક વર્ગ નારાજ થયો હતો.
તેમની ફરિયાદ હતી કે વૈજ્ઞાનિક વિચારધારાની વકીલાત કરનારા શખ્સ આવું કરીને લોકો સામે ખોટું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.
જ્યારે કલામે સાડા ત્રણ લાખનો ચેક આપ્યો

ઇમેજ સ્રોત,GETTY IMAGES
ડૉક્ટર કલામ તેમના મોટા ભાઈ એપીજે મુત્થૂ મરાઇરયારને બહુ પ્રેમ કરતા, પણ તેમણે ક્યારેય તેમને પોતાની સાથે રાષ્ટ્રપતિભવનમાં રહેવાનું ન કહ્યું.
કલામ ભારતના રાષ્ટ્રપતિ હતા, એ સમયે તેમના ભાઈનો પૌત્ર ગુલામ મોઇનુદ્દીન દિલ્હીમાં કામ કરતા હતા.
તેઓ મુનિરકામાં ભાડાના એક રૂમમાં રહેતા હતા. મે 2006માં કલામે પોતાના પરિવારના અંદાજે 52 લોકોને દિલ્હીમાં આમંત્રિત કર્યા. આ લોકો આઠ દિવસ રાષ્ટ્રપતિભવનમાં રોકાયા હતા.
કલામના સચિવ રહી ચૂકેલા પી.એમ. નાયરે મને જણાવ્યું, "કલામે તેમના રાષ્ટ્રપતિભવનમાં રોકાણનું ભાડું પોતાના ખિસ્સામાંથી આપ્યું. એટલે એક-એક કપ ચાનો હિસાબ પણ રાખવામાં આવ્યો હતો."
"એ લોકો એક બસમાં અજમેર શરીફ પણ ગયા હતા, જેનું ભાડું કલામે ભર્યું. તેમના ગયા પછી કલામે પોતાના ઍકાઉન્ટમાંથી ત્રણ લાખ બાવન હજાર રૂપિયાનો ચેક રાષ્ટ્રપતિભવન કાર્યાલય મોકલ્યો."
ડિસેમ્બર 2005માં તેમના મોટા ભાઈ એપીજે મુત્થૂ મરાઇકયાર, તેમનાં પુત્રી નાઝિમા અને તેમના પૌત્ર ગુલામ હજ કરવા મક્કા ગયાં.
જ્યારે સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂતને આ અંગે ખબર પડી ત્યારે તેમણે રાષ્ટ્રપતિને ફોન કરીને તેમના પરિવારની શક્ય એટલી મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
કલામનો જવાબ હતો, 'મારી તમને એ જ વિનંતી છે કે મારા 90 વર્ષીય ભાઈને કોઈ પણ સરકારી વ્યવસ્થા વિના એક સામાન્ય તીર્થયાત્રીની જેમ હજ કરવા દો.'
ઇફ્તારના પૈસા અનાથાલયને આપ્યા

ઇમેજ સ્રોત,HOSUE OF KALAM
નાયરે મને એક વધુ રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. 'એક વાર નવેમ્બર, 2002માં કલામે મને બોલાવીને પૂછ્યું, "એ જણાવો કે આપણે ઇફ્તાર ભોજનનું આયોજન શા માટે કરીએ?"
"આમ પણ અહીં આમંત્રિત લોકો સારા ઘરના હોય છે. તમે ઇફ્તાર પર કેટલો ખર્ચ કરો છો?"
"રાષ્ટ્રપતિભવનના આતિથ્ય વિભાગને ફોન જોડ્યો. તેમણે જણાવ્યું કે ઇફ્તાર ભોજનમાં સામાન્ય રીતે અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે."
"કલામે કહ્યું, 'આપણે આ પૈસા અનાથાલયને કેમ ન આપી શકીએ? તમે અનાથાલય પસંદ કરો અને નિશ્ચિત કરો કે આ પૈસા બરબાદ ન થાય.'"
"રાષ્ટ્રપતિભવન તરફથી ઇફ્તાર માટે નિર્ધારિત રકમમાંથી લોટ, દાળ, ધાબળા અને સ્વેટરોની વ્યવસ્થા કરાઈ અને 28 અનાથલાયનાં બાળકોમાં વહેંચાયાં. જોકે વાત અહીં પૂરી ન થઈ."
"કલામે મને ફરીથી બોલાવ્યો અને રૂમમાં તેઓ અને હું એકલા હતા, ત્યારે કહ્યું, 'આ સામાન તો તમે સરકારની પૈસાથી ખરીદાવ્યો છે. તેમાં મારું યોગદાન તો કશું જ નથી."
"હું તમને એક લાખ રૂપિયાનો ચેક આપું છું. તેનો પણ એ રીતે ઉપયોગ કરો, જેવી રીતે તમે ઇફ્તારના નક્કી કરાયેલા પૈસાનો કર્યો છે. પણ કોઈને એ વાત ન કહેશો કે આ પૈસા મેં આપ્યા છે."
બિનરાજકીય રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત,HINDUSTAN TIMES
કલામ કદાચ ભારતના પ્રથમ બિનરાજકીય રાષ્ટ્રપતિ હતા. તેમની સમકક્ષ કોઈને રાખી શકાય તો એ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન.
જોકે રાધાકૃષ્ણન પણ સંપૂર્ણ બિનરાજકીય નહોતા અને સોવિયત સંઘમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા હતા.
કલામની રાજકીય અનુભવહીનતાની ત્યારે ખબર પડી જ્યારે તેમણે 22 મેની અડધી રાતે બિહારમાં રાષ્ટ્રપતિશાસન લગાવવાને ટેકો આપી દીધો, એ પણ ત્યારે જ્યારે તેઓ રશિયાની યાત્રા પર હતા.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમત ન મળતાં રાજ્યપાલ બુટા સિંહે કોઈ વિકલ્પો શોધ્યા વિના બિહારમાં રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરી દીધી.
કેન્દ્રીય મંત્રીમંડળે એક બેઠક બાદ તેને તરત રાષ્ટ્રપતિની સહી માટે ફેક્સથી મોસ્કો મોકલી દીધી. કલામે ભલામણ પર રાતે દોઢ વાગ્યે કોઈ પણ વાંધા વિના સહી કરી દીધી.
જોકે પાંચ મહિના પછી સુપ્રીમ કોર્ટે આ આદેશને ગેરબંધારણીય ઠેરવ્યો, જેના કારણે યુપીએ સરકાર અને ખુદ કલામની બહુ બદનામી થઈ.
કલામે ખુદ પોતાના પુસ્તક 'અ જર્ની થ્રૂ ધ ચેલેન્જિસ'માં ઉલ્લેખ કર્યો છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી એટલા દુખી થયા હતા કે તેમણે આ મુદ્દે રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું, જોકે વડા પ્રધાન મનમોહન સિંહે તેમને એમ કહીને મનાવી લીધા કે તેનાથી દેશમાં હલચલ મચી જશે.
મોરના ટ્યુમરની સર્જરી કરાવી

ઇમેજ સ્રોત,HINDUSTAN TIMES
ડૉક્ટર કલામનો માનવીય પક્ષ બહુ મજબૂત હતો, એક વાર તેઓ શિયાળામાં રાષ્ટ્રપતિભવનના ગાર્ડનમાં ટહેલતા હતા.
તેમણે જોયું કે સુરક્ષાગાર્ડની કૅબિનમાં હીટિંગની કોઈ વ્યવસ્થા નથી અને હાડ થીજવતી ટાઢમાં સુરક્ષાગાર્ડ ઠૂંઠવાતા હતા.
તેમણે તરત સંબંધિત અધિકારીઓને બોલાવ્યા અને ગાર્ડની કૅબિનમાં શિયાળામાં હીટર અને ગરમીના દિવસોમાં પંખો લગાવવાની વ્યવસ્થા કરાવી.
એસ. એમ. ખાને વધુ એક કિસ્સો સંભળાવ્યો, "એક વાર મુઘલ ગાર્ડનમાં ટહેલતી વખતે તેમણે જોયું કે એક મોર મોઢું ખોલી શકતો નથી."
"તેમણે તરત રાષ્ટ્રપતિભવનના વેટરનરી ડૉક્ટર સુધીર કુમારને બોલાવીને મોરના સ્વાસ્થ્યની તપાસ કરવા કહ્યું. તપાસ કરતાં ખબર પડી કે મોરના મોઢામાં ગાંઠ છે, જેના કારણે તે ન તો મોં ખોલી શકે છે, ન તો બંધ કરી શકે છે."
"તે કશું ખાઈ શકતો નહોતો અને તકલીફમાં હતો. કલામના કહેવા પર ડૉક્ટર કુમારે એ મોરની તત્કાળ સર્જરી કરી અને તેની ગાંઠ કાઢી નાખી."
"એ મોરને કેટલાક દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યો અને સંપૂર્ણ ઠીક થઈ જતાં તેને મુઘલ ગાર્ડનમાં છોડવામાં આવ્યો."
તાન્ઝાનિયાનાં બાળકોની મફત હાર્ટસર્જરી

ઇમેજ સ્રોત,AFP
એપીજે અબ્દુલ કલામ
15 ઑક્ટોબર, 2005. કલામ પોતાના 74મા જન્મદિવસે હૈદરાબાદમાં હતા.
તેમના દિવસની શરૂઆત હૃદયરોગથી પીડિત તાન્ઝાનિયાનાં કેટલાંક બાળકોની મુલાકાતથી થઈ, જેમનું હૈદરાબાદની કૅર હૉસ્પિટલમાં ઑપરેશન કરાયું હતું. તેમણે દરેક બાળકના માથે હાથ ફેરવ્યો અને તેમને ટૉફીનો એક-એક ડબ્બો આપ્યો, જે તેઓ દિલ્હીથી લાવ્યા હતા.
બહાર આંધ્ર પ્રદેશના રાજ્યપાલ સુશીલકુમાર શિંદે, મુખ્ય મંત્રી રાજશેખર રેડ્ડી અને તેલુગુ દેશમના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ તેમની રાહ જોતા હતા. તેમને સમજાતું નહોતું કે આ બાળકોને તેમના કરતાં વધારે મહત્ત્વ કેમ આપવામાં આવી રહ્યું છે?
અરુણ તિવારી એપીજે કલામની જીવનકથામાં લખે છે, "થયું એવું કે સપ્ટેમ્બર 2000માં તાન્ઝાનિયાની યાત્રા દરમિયાન કલામને ખબર પડી કે ત્યાં જન્મજાત હૃદયની બીમારીથી પીડિત બાળકો સારવાર વિના મરી રહ્યાં છે."
"ત્યાંથી પરત આવ્યા બાદ તેમણે મને કહ્યું કે કોઈ પણ રીતે બાળકો અને તેમનાં માતાઓને દારૂસલામથી હૈદરાબાદ લાવવાની મફતમાં વ્યવસ્થા કરો"
"તેમણે મને વી. તુલસીદાસ સાથે વાત કરાવવા કહ્યું, જે એ સમયે ઍરઇન્ડિયાના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક હતા. તેઓ આ કામમાં મદદ માટે રાજી થઈ ગયા."
"પછી કૅર હૉસ્પિટલના પ્રમુખ ડૉક્ટર સોમા રાજુ અને ત્યાંના મુખ્ય હાર્ટસર્જન ડૉક્ટર ગોપીચંદ મન્નામ પણ તેમના મફત ઇલાજ માટે તૈયાર થઈ ગયા."
"કૅર ફાઉન્ડેશનના 50 લોકોની રહેવાની અને ખાવાની મફતમાં વ્યવસ્થા કરાઈ. આ બધા લોકો હૈદરાબાદમાં એક મહિનો રોકાઈને સારવાર કરાવીને સકુશળ તાન્ઝાનિયા પાછા ફર્યા."
કલામની સૅમ માણેકશા સાથે મુલાકાત

ઇમેજ સ્રોત,STR
જ્યારે કલામનો કાર્યકાળ ખતમ થવા લાગ્યો, ત્યારે તેમણે 1971ની લડાઈના હીરો ફિલ્ડમાર્શલ સૅમ માણેકશાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી.
ફેબ્રુઆરી 2007માં તેમને મળવા ઊટી પણ ગયા. તેમને મળ્યા બાદ કલામને અંદાજ આવી ગયો કે માણેકશાને ફિલ્ડમાર્શલ જેવી પદવીઓ તો અપાઈ છે, પરંતુ તેની સાથે મળતાં ભથ્થાં અને સુવિધાઓ અપાયાં નથી.
દિલ્હી પરત ફર્યા બાદ તેમણે આ દિશામાં કંઈક કરવાનો નિર્ણય લીધો.
ફિલ્ડમાર્શલ માણેકશાની સાથે-સાથે તેમણે માર્શલ અર્જુન સિંહને પણ તમામ ભથ્થાં અપાવ્યાં.
Comments
Post a Comment